એસ.ટી. બસની ફરી એક વખત બેદરકારી અને અવ્યવસ્થાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સોમનાથથી નખત્રાણા જતા રૂટની એક એસ.ટી. બસ, જે સાંજે 6:45 કલાકે રાજકોટથી રવાના થવાની હતી. તે દોઢ કલાક મોડેથી આવી. આ બસમાં માધાપર ચોકડી પરથી બે મહિલા યાત્રીઓને લઈ જવાના હતા જેમણે અગાઉથી ટિકિટ બુકિંગ પણ કરાવ્યું હતું. બંને મહિલાને અંજાર જવાનું હતું. આશ્ચર્યજનક રીતે બસ માત્ર ગણતરીના સેકન્ડો માટે ઊભી રહી અને યાત્રિકોને લીધા વિના આગળ નીકળી ગઈ. સિનિયર સિટિઝન સહિત બે મહિલા યાત્રિકે બુકિંગ કરાવ્યું છતાં હેરાન થવું પડ્યું.
બસના સમય મુજબ યાત્રિકોએ માધાપર ચોકડી પર સમયસર પહોંચીને બસની રાહ જોઈ. ઘણી વાર રાહ જોઈ બાદ જ્યારે દોઢ કલાક મોડેથી બસ આવી. જોકે, બસ માત્ર થોડા સેકન્ડ માટે જ રોકાઈ અને યાત્રિકોને લેતા પહેલાં જ કંડક્ટર અને ડ્રાઈવરે તેને આગળ લઈ જવા શરૂ કરી. બંને પેસેન્જર પૈકી એક સિનિયર સિટિઝન મહિલા હતા. સ્થાનિક રહેવાસીઓ અને યાત્રિકોના પરિજનો દ્વારા આ અંગે એસ.ટી. અધિકારીઓને ફરિયાદ પણ કરવામાં આવી છે. યાત્રિકોના હક અને સુરક્ષા માટે નિગમને વધુ જવાબદારીપૂર્વક અને વ્યવસ્થિત રીતે કામગીરી કરવી જોઈએ એવી માંગ ઊઠી રહી છે. બસ ન ઊભી રહેતા મહિલાએ નાછૂટકે ખાનગી વાહનનો સહારો લેવો પડ્યો હતો.