સામાન્ય રીતે શુભ મુહૂર્તમાં સગાઇ- લગ્નપ્રસંગ, ભૂમિપૂજન-વાસ્તુ પૂજન અથવા તો દસ્તાવેજ નોંધણી થતી હોય છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં સારા મુહૂર્તમાં અથવા તો મુહૂર્તના એક મહિના પહેલા જીએસટી નંબર લેવા માટેની અરજી વધુ આવી રહી છે. એ મુજબ અષાઢી બીજના મુહૂર્ત માટે અંદાજિત 1300થી વધુ અરજી આવી હોવાનું ધ્યાને આવ્યું છે. સારા મુહૂર્ત પૂર્વે નંબર લેવાનું પ્રમાણ એટલે વધ્યું છે કે, વણજોયા મુહૂર્તમાં વેપાર-ઉદ્યોગના શ્રીગણેશ કરી શકાય. રાજકોટમાં હાર્ડવેર, કિચનવેર અને ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે સૌથી વધુ નંબર લેવામાં આવતા હોવાનું જીએસટી વિભાગે જણાવ્યું છે. જોકે બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ પાડવામાં આવતા ડમી અરજદારોને નવા નંબર મળતા અટક્યા છે. તાજેતરમાં 3 ડમી અરજદારએ નવો ધંધો શરૂ કરવા માટેની અરજી કરી હતી. જેને બિઝનેસ અંગે કોઈ જ જાણકારી હતી નહીં. તેની પૂછપરછ કરવામાં આવતા તેઓએ નિકાસ જ શરૂ કરવી છે. તેવું રટણ કર્યું હતું. બાદમાં તપાસ કરતા તેઓ ડમી અરજદાર માલૂમ પડતા ઉચ્ચકક્ષાએ તેની રજૂઆત કરવામાં આવી છે. અષાઢી બીજ પૂર્વે અખાત્રીજ, ભીમ અગિયારસના મુહૂર્તમાં નવા નંબર લેવા માટેની સંખ્યા અંદાજિત 1500થી વધુ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.