ગુજરાતમાં દર એક લાખ લોકોમાંથી 10761 વ્યક્તિઓ પર આર્થિક દેવું છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ કોમ્પ્રિહેન્સિવ એન્યુલ મોડ્યુલર સરવે 2022-23 મુજબ, ગુજરાતના ગામડાંઓમાં દર લાખમાંથી 10674 અને શહેરોમાં દર લાખમાંથી 10880 લોકો પર દેવું છે. જૂલાઇ 2022થી જૂન 2023 સુધી કરાયેલા સરવેમાં રાજ્યમાં 1.38 કરોડ પરિવાર હોવાનો અંદાજ કરાયો છે. દેશમાં દર લાખ વ્યક્તિએ 18,322 લોકો પર દેવું છે. મોટા રાજ્યોમાં સૌથી વધુ આંધ્ર પ્રદેશમાં દર લાખમાંથી 60 હજાર લોકો પર દેવું છે. અહીં કોઇ પણ 18 વર્ષથી ઉપરના વ્યક્તિએ કોઇ સંસ્થા કે બિનસંસ્થાકીય એજન્સી પાસે 500 કે તેથી વધુ રૂપિયા લોન સ્વરૂપે લીધા તેનો સમાવેશ કરાયો છે. ગુજરાતમાં મહિલાઓ કરતાં પાંચ ગણા પુરુષો આર્થિક સંકળામણમાં છે. દર લાખમાંથી 17888 પુરુષો, જ્યારે 3296 મહિલાઓ પર દેવું છે.
રાજ્યમાં 24% મહિલા તેમના રોજિંદા જીવનમાં ટૂંકા અને સરળ નિવેદનો સમજણ સાથે વાંચી અને લખી શકતી નથી અને સરળ અંકગણિતની ગણતરીઓ કરવા સક્ષમ નથી. રાજ્યમાં સરેરાશ 84% ગુજરાતીઓ રોજબરોજના જીવનમાં ઉપરોક્ત પ્રવૃત્તિ કરી શકે છે. ગ્રામિણ વિસ્તારોમાં તેનું પ્રમાણ 79% છે, શહેરોમાં 91% સાદી ગણતરી, વાંચી કે લખી શકે છે.