IPL 2024ની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે ઇન્ટરવ્યૂ આપ્યો છે. ESPN ક્રિકઇન્ફોએ અહેવાલ આપ્યો છે કે ગંભીર મંગળવારે ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના સભ્યોને મળ્યો હતો. જોકે News 18ના રિપોર્ટ પ્રમાણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ડબલ્યુ.વી. રમને પણ ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને હવે આવતીકાલે વિદેશી ઉમેદવારનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
આ સમિતિમાં અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણ નાયક જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે BCCIને આ પદ માટે કેટલી અરજીઓ મળી છે. અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 27મી મે હતી. BCCI લાંબા સમયથી ભારતીય ટીમ માટે કોચની શોધ કરી રહ્યું છે, કારણ કે ટીમના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે.
રાહુલ દ્રવિડને મુખ્ય કોચ તરીકે બદલવા માટે ગંભીર સૌથી આગળ છે પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ડબલ્યુ.વી. રમને તેના ઇન્ટરવ્યૂ દરમિયાન ખૂબ જ વિગતવાર રજૂઆત કરી હતી. BCCIના સુત્રો જણાવે છે કે રમનની રજૂઆત ખૂબ જ પ્રભાવશાળી હતી અને એવી શક્યતા છે કે CAC બુધવારે વિદેશી ઉમેદવારનો ઇન્ટરવ્યૂ લેશે.