કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે લગભગ 15 દિવસ પહેલા જ દિલ્હી મોવડી મંડળ સમક્ષ ગુજરાતમાંથી મુક્ત કરવાની લાગણી વ્યકત કરી હતી. આ સાથે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવા માટે ગુજરાતનો હવાલો પ્રિયંકા ગાંધીને સોપાય તેવી શક્યતા રાજકીય સૂત્રોએ વ્યકત કરી છે. પ્રદેશ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ભાજપની 26 બેઠકોમાંથી 26 બેઠકની હેટ્રિકને રોકી છે ત્યારે ગુજરાતમાં સત્તા પરિવર્તન થઇ શકે છે તેવો વિશ્વાસ કોંગ્રેસને આવી ગયો છે. આથી રાહુલ ગાંધીએ પણ સાંસદમાં અને પછી ગુજરાતમાં પણ કહ્યું હતું કે, 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવશે.
આ માનસિકતા સાથે જ કોંગ્રેસ ગુજરાતમા મોટાપાયે ફેરફાર લાવી રહીં છે તેમ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે. ગુજરાત લોકસભાની ચૂટણીમાં પ્રદેશ પ્રમુખ શકિતસિહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં કોંગ્રેસ એક બેઠક તો જીતી પણ આ સાથે ભાજપને પણ 5 લાખની લીડથી વંચિત રાખવામાં સફળ રહી હતી. આ પછી ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પણ જીતી શકાય છે તેવા વિશ્વાસનો સંચાર કોંગ્રેસમાં થયો છે. આવા સંજોગોમાં વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળમાંથી ફેરફાર કરવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે હવે ગુજરાતમાંથી મુકત કરવાની ઇચ્છા વ્યકત કરી છે.