રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલ આશાપુરા માતાજીના મંદિરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી 61,000નો મુદામાલ કબ્જે કરી ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
12 દિવસ પહેલાં ગોંડલના આશાપુરા માતાજીના મંદિરમાં પૂજારીને બંધક બનાવી લૂંટ કરાયેલ હતી, જેમાં માતાજીને ચડાવવામાં આવેલ છતર તેમજ દાનપેટીમાં રહેલી રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. આ અંગે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ ટીમ તપાસમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, આશાપુરા મંદિરમાં લૂંટ કરનાર આરોપી રાજકોટના જામનગર રોડ પર રૂડા ઓફિસ સામે પથિકાશ્રમ પાસે ઉભો છે. બાતમી મળતા તુરંત વોચ ગોઠવી આરોપી કુવરપાલસિંહ ઉર્ફે કપ્તાનસિંહ નિર્પતસિંહ નાઈક (ઉ.વ.60) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.