વધારે ગળ્યું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. એવામાં લોકો અનેકવાર શુગર-ફ્રી સ્વીટનર્સ અપનાવવા લાગે છે. 2021માં રિસર્ચરોએ હોંગકોંગમાં વેચાતી ખાવાની વસ્તુઓની તપાસ કરી તો જાણ થઇ કે ચ્યુઈંગ ગમ અને કોલ્ડડ્રિંક્સ ઉપરાંત સલાડ, બ્રેડ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ અને અનેક ક્રિસ્પમાં પણ સ્વીટનર્સ ઉપલબ્ધ હોય છે. આ આપણા ભોજનનો સામાન્ય ભાગ બની ગઈ છે.
અમેરિકામાં વપરાતું એક સ્વીટનર એડવાન્ટેમ ખાંડ કરતાં 20 હજાર ગણું ગળ્યું હોય છે. ખાંડ અોછી લેવા કે ન ખાવા પાછળ 3 સૌથી મોટા કારણ છે વજન વધવું, ડાયાબિટીસ અને ટૂથ ડિકેની સમસ્યા. ઈન્ટરનેશનલ સ્વીટનર્સ એસોસિએશનની એક વેબસાઈટ અનુસાર ડાયાબિટીસના પેશન્ટ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે કેમ કે એવું મનાય છે કે તેની બ્લડ શુગર લેવલ પર કોઇ અસર થતી નથી.
વજન ઘટાડવા માટે લોકો શુગર-ફ્રી સ્વીટનર્સ લે છે કેમ કે તેમાં કેલોરી નથી હોતી. જ્યારે ખાંડથી વિપરિત તેનાથી ટૂથ ડિકેની તકલીફ પણ થતી નથી. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર વધારે સ્વીટનર્સ ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીના કારણ બની શકે છે. સાથે જ વજન પણ વધે છે. જ્યારે સ્ટેવિયા નામના સ્વીટનરને રોજ ખાવાથી બાળકોના દાંત ખરાબ થવાનું જોખમ રહે છે. જે બાળકો રોજ 250 મિ.લી.થી વધુ શુગર ફ્રી સ્વીટનરવાળા ડ્રિંક્સ પીએ છે તેમનામાં દાંતમાં દુખાવાની શક્યતા અન્ય બાળકોની વધુ રહે છે.