અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ ટેરિફ મુદ્દે કોઈ રાહતના સંકેતોના જણાતા તેમજ રશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ડ્રોન વડે હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ વધતા ગત સપ્તાહે પણ ભારતીય શેરબજારમાં ઘટાડો યથાવત્ રહ્યો હતો.
અમેરિકા દ્વારા ભારત પર ક્રુડ ઓઈલની ખરીદીનું દબાણ વધારતી તાજેતરની બન્ને દેશો વચ્ચેની ડિલ અને બીજી તરફ ઓપેક દેશો દ્વારા એપ્રિલ પૂર્વે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો નહીં કરવાના નિર્ણય અને એપ્રિલથી અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાના નેગેટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ દરેક ઉછાળે સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.
મિત્રો, આ વર્ષે જે આર્થિક ઘટનાઓ બની છે તેના પરિણામોને લઈને વિશ્વભરમાં ઘણી ચિંતા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકે તેમના આર્થિક અંદાજો જાહેર કર્યા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનો અંદાજ છે કે 2025માં વિશ્વની અર્થવ્યવસ્થા 3.3%ના દરે વૃદ્ધિ પામશે, જ્યારે વિશ્વ બેંકે 2.7% વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. સ્થાનિક સ્તરે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના પ્રથમ અંદાજ મુજબ, ભારતની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.4%ના દરે વૃદ્ધિ પામશે. ગત નાણાકીય વર્ષમાં હાંસલ કરાયેલ 8.2%ની ગતિ કરતાં આ ઘણી ધીમી છે.
માત્ર મધ્યમ ગાળામાં વૃદ્ધિની આગાહીઓ જ પડકારજનક નથી, નજીકના ભવિષ્યમાં પણ ઘણા જોખમો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે સંકેત આપ્યો છે કે ટેરિફના નવા નીતિનિયમોઓ વેપાર તણાવમાં વધારો કરી શકે છે, રોકાણમાં ઘટાડો કરી શકે છે, બજારની કાર્યક્ષમતા ઘટાડી શકે છે. સંરક્ષણવાદી નીતિઓ સાથે અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર પાસેથી જે પ્રકારની નાણાકીય નીતિની અપેક્ષા છે તે નજીકના ભવિષ્યમાં અમેરિકાના વિકાસ દરમાં વધારો કરી શકે છે. પરંતુ આનાથી રાજકોષીય અને નાણાકીય નીતિઓમાં ભારે ફેરફારો થઈ શકે છે જે સમગ્ર વિશ્વમાં નાણાંની અસર અને ડોલરની મજબૂતાઈને કારણે રૂપિયા પર દબાણ ચાલુ રહેવાની સંભાવના છે.