હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે 21મી જુલાઈએ સાંજે પાંચ વાગ્યા બાદ બે કલાકમાં સવા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે શહેર પાણી પાણી થઈ ગયું હતું. શહેરના વરાછા, અઠવાગેટ, કતારગામ, પુણાગામ, ઉધના સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને પગલે નોકરી-ધંધેથી પરત ફરતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર બેથી અઢી ફૂટ પાણી ભરાતાં વાહનો રસ્તામાં બંધ પડ્યા હતા. તો સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા અને ઘરમાં પાણી ઘૂસ્યા હતા. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે સુરત સિટીના વિવિધ વિસ્તારોમાં જઈને વરસાદ બાદની સ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. ભાસ્કર રિપોર્ટર દેવેન ચિત્તે, સુનિલ પાલડિયા અને શ્વેતા સિંહે સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
વરાછા વિસ્તારમાં ગોઠણસમા પાણી
સુરતમાં ચાર કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ઝાડ પડવાના બનાવ પણ હતા. ત્રણ કલાકમાં પાંચ ઈંચથી વધુ વરસાદને કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં પણ ગોઠણસમા પાણી ભરાયા હતા. અશ્વિનકુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતાં બંધ કરી દેવામાં આવ્યું છે. ત્રણ કલાકથી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું.
સૌથી વધુ વરસાદ વરાછા ઝોન વિસ્તારમાં પડ્યો છે. છેલ્લા ત્રણ કલાકમાં વરાછા વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. વરાછા પોલીસ સ્ટેશનની સામે ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. વરાછા મેઈન રોડ પર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આ સાથે જ મિની બજાર ખાતે આવેલા રેસ્ટોરાંમાં પણ પાણી ઘૂસી જતાં ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. સરથાણા વિસ્તારમાં પણ પાંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેને લઈને વરાછાથી સરથાણા સુધી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ સાથે જ સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્રાણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા.