રાજ્યમાં સારા વરસાદને પગલે વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષના વાવેતરની સરખામણીએ 91% વાવેતર થઇ ગયું છે. રાજ્યમાં સરેરાશ 86.31 લાખ હેક્ટર વિસ્તારમાં થતા વાવેતરની સામે અત્યાર સુધી 78.88 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે. રાજ્યના કૃષિ નિયામકની કચેરી દ્વારા વાવેતર માટે જાહેર કરાતા વીકલી રિપોર્ટમાં આ વિગતો બહાર આવી છે. ઉત્તર ગુજરાતમાં 14.46 લાખ હેક્ટર, મધ્ય ગુજરાતમાં 14,57 લાખ હેક્ટર, સૌરાષ્ટ્રમાં 37.78 લાખ હેક્ટર, દક્ષિણમાં 6.84 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે. ગયા વર્ષે આ સમય સુધી રાજ્યમાં 78.83 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી 94% વરસાદ થયો છે. જે ગયા વર્ષ કરતાં 154% વધારે છે. ગયા વર્ષે આ સમય સુધી 37% વરસાદ હતો. રાજ્યના જળાશયોમાં હાલમાં 77% જળસંગ્રહ છે.