આટકોટમાં આવેલી ડી.બી. પટેલ કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી બીસીએની વિદ્યાર્થિની પર છાત્રાલયના બે ટ્રસ્ટી અને ભાજપના બે આગેવાન સહિત 3 શખ્સે છાત્રાલય ઉપરાંત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની હોસ્પિટલમાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બહાર આવી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધાય તે પહેલાં જ છાત્રાલયના પૂર્વ પ્રમુખ અને હાલના ટ્રસ્ટીએ ઝેરી દવા પી લેતા તેઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત અતિ ગંભીર ગણાવાઈ રહી છે.
72 વર્ષની ઉંમરના આ ટ્રસ્ટીએ સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. આટકોટ પોલીસે ભાજપના બે આગેવાન સહિત ત્રણ શખ્સ સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ ગોંડલ IUCAW યુનિટના પોલીસ ઈન્સ્પેક્ટર આર. એમ. રાઠોડને સોંપવામાં આવી છે. બાબરા પંથકની યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે વર્ષ 2019થી 2024 સુધી આટકોટમાં આવેલી ડી.બી. પટેલ કન્યા છાત્રાલયમાં ધો.11થી બીસીએ સુધીનો અભ્યાસ કર્યો હતો અને બીસીએમાં જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે છાત્રાલયમાં જ પાર્ટ ટાઈમ રેક્ટર તરીકે ફરજ પણ સોંપવામાં આવી હતી. દરમિયાન જૂન 2023માં છાત્રાલયનો કલરનો કોન્ટ્રાક્ટ મધુભાઈ ટાઢાણી(ભાજપ આગેવાન અને પૂર્વ સરપંચ પાંચવડા)ને આપવામાં આવ્યો હતો અને મધુ ટાઢાણી હોસ્ટેલના બે ટ્રસ્ટી પરેશ રાદડિયા અને અરજણ રામાણીને ઓળખતા હોવાથી અવારનવાર છાત્રાલય પર આવતા હતા.