Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સાયબર ગઠિયાઓ અવનવા ખેલ કરીને લોકો પાસેથી નાણાં પડાવતા હોય છે. જાળમાં ફસાયા બાદ પણ તાત્કાલિક જાગૃતતા દાખવનાર વ્યક્તિઓને પોલીસ નાણાં પરત અપાવી શકે છે. શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ રવિ બારોટ અને પીએસઆઇ લુવાએ જણાવ્યું હતું કે, એ.ડિવિઝન વિસ્તારમાં રહેતા કે વ્યવસાય કરતાં અને યેનકેન રીતે સાયબર ફ્રોડનો ભોગ બનેલા આઠ વ્યક્તિઅોને નાણાં પરત અપાવવામાં સફળતા મળી હતી. દીક્ષિત શાહ નામના યુવકના ફેસબુકમાં બીના મીઠાની નામની વ્યક્તિ ફ્રેન્ડ છે. બીના મીઠાનીના આઇડીમાંથી આર્થિક મદદની અપીલ કરવામાં આવી હતી. દીક્ષિત શાહ મદદ માગનાર બીના મીઠાનીને ઓળખતા હોવાથી તેમણે રૂ.13 હજારનું પેમેન્ટ કર્યું હતું. જોકે બાદમાં દીક્ષિત શાહને જાણ થઇ હતી કે તેમના પરિચિત બીના મીઠાનીનું ફેસબુક હેક થયું છે. પોલીસે દીક્ષિત શાહને તેણે ગુમાવેલા તમામ રૂ.13 હજાર પરત કરાવ્યા હતા. મિરલ દુધાગરા નામના યુવાને બિટકોઇનમાં રોકાણથી ટૂંકા ગાળામાં પૈસા કમાવાની લાલચ આપી હતી અને તેમાં ફસાઇને મિરલે નાણાં ગુમાવ્યા હતા. પોલીસે તેને રૂ.34250 પરત કરાવ્યા હતા. સાદ કારબાની નામની વ્યક્તિ સાથે ગઠિયાએ પોતે સંબંધી હોવાનું કહી અને હોસ્પિટલમાં તાત્કાલિક નાણાંની જરૂરિયાત હોવાની વાત કરી હતી જેથી સાદે નાણાં મોકલ્યા હતા. પોલીસે રૂ.7 હજાર પરત કરાવ્યા હતા. શિવાંગી જોષી નામની મહિલાએ શેરબજારમાં ટ્રેડિંગ કરી નાણાં કમાવવાની લાલચમાં નાણાં ગુમાવ્યા હતા. પોલીસે તેમને રૂ.10 હજાર પરત કર્યા હતા. કાનજી ડાભી નામના યુવકનું બેંકનું ક્રેડિટકાર્ડ કુરિયરમાં આવવાનું હતું.

જેથી કાનજીએ ગૂગલમાંથી હેલ્પલાઇન નંબર સર્ચ કર્યા હતા અને જે નંબર મળ્યા હતા તેમાં ફોન કરતાં ફોન રિસીવ થયો નહોતો બાદમાં સામેથી ફોન આવ્યો હતો અને કુરિયર બોયને એડ્રેસ મળતું નથી. અપડેટની પ્રોસેસ માટે કોઇ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને યુવકે પૈસા ગુમાવ્યા હતા. જોકે પોલીસે રૂ.38 હજાર પરત કરાવ્યા હતા. હર્ષ મહેતાને ગૂગલ પેમાં વાઉચર અમાઉન્ટ રિડીમ કરવાના બહાને લિંક મોકલી છેતરપિંડી આચરી હતી. પોલીસે રૂ.11 હજાર પરત કરાવ્યા હતા. મૌલિક કોઠારી નામના યુવકના મિત્ર ચિરાગ લખતરિયાનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરી ગઠિયાઓએ ચિરાગના નામે વાત કરી મૌલિક પાસેથી નાણાં પડાવ્યા હતા. પોલીસે રૂ.20 હજાર પરત અપાવ્યા હતા. તેમજ પારસ નામના યુવકને ભાવેશ કયાડા નામ ધારક શખ્સે ખેતીની પેદાશોમાં રોકાણ કરી પૈસા કમાવવાની લાલચ આપી પારસને જા‌ળમાં ફસાવી પૈસા પડાવ્યા હતા. પોલીસે પારસને રૂ.71750 પરત કરાવ્યા હતા.