વૈશ્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગની અસર ઉપરાંત દેશભરમાં એગ્રી ઉત્પાદક રાજ્યોમાં કમોસમી વરસાદ અને અલનીનો ઇફેક્ટના કારણે કૃષિ ઉત્પાદનમાં ઘટાડાના સંકેતો મળી રહ્યાં છે. એગ્રી ઉત્પાદનમાં ઘટાડા સામે માગ સતત વધી રહી છે જેના કારણે ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો સંભવ બનશે અને પરિણામે ફુગાવા પર તેની સીધી અસર પડી શકે છે. દેશમાં કૃષિ ઉત્પાદન ઘટી શકે છે.
જેના કારણે અનાજ,કઠોળ અને ખાંડ જેવી જરૂરી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. નાણા મંત્રાલયે આર્થિક સમીક્ષા રિપોર્ટમાં કહ્યું છે કે આ દરમિયાન વિશ્વભરમાં વધતા જિયો પોલિટિકલ ટેન્શનથી અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી શકે છે. મંગળવારે રજૂ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે 1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ 2023-24 માટે 6.5% આર્થિક વૃદ્ધિની આગાહી વર્લ્ડ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના અનુમાનને અનુરૂપ છે. આ સિવાય ફુગાવો પણ નીચે આવવાની શક્યતા છે, પરંતુ કેટલાક પડકારો આ અંદાજોને સાચા સાબિત કરવામાં અવરોધ લાવી શકે છે. અલનીનો વર્ષમાં દેશમાં ખરીફ ઉત્પાદન ઘટ્યું છે.