રાજકોટના મવડી પોલીસ હેડ ક્વાર્ટર્સના ગ્રાઉન્ડમાં ચાલી રહેલી પોલીસ ભરતીમાં રવિવારે સવારે પોરબંદર પંથકની યુવતી દોડી રહી હતી ત્યારે અચાનક જ તેને પગમાં આંચકો આવ્યો હતો અને તે નીચે પટકાઇ હતી. યુવતીના પગનું હાડકું તૂટી ગયું હતું.
પોરબંદરના દેગામની હેતલ ગોરધનભાઇ જોષી (ઉ.વ.26)એ પોલીસ ભરતી માટે ફોર્મ ભર્યું હતું અને તેની દોડની પરીક્ષા રાજકોટના મવડી હેડ ક્વાર્ટર્સમાં હતી. અગાઉ પણ પીએસઆઇની પરીક્ષામાં સફળતાપૂર્વક પૂરી કરનાર હેતલ મેરિટને કારણે ફોજદાર બની શકી નહોતી. આ વખતે કોઇપણ ભોગે પીએસઆઇ બનવું જ છે તેવા મક્કમ ઇરાદા સાથે પૂરતી પ્રેક્ટિસ કરી હેતલ જોષી શનિવારે રાત્રે રાજકોટ આવી પહોંચી હતી અને રવિવારે સવારે 6 વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર્સમાં દોડ માટે સજ્જ થઇ ગઇ હતી.
તમામ પરીક્ષાર્થીઓમાં હેતલને ટોકન નંબર એક ફાળવવામાં આવ્યો હતો. દોડ માટેનું ક્લેપ થતાં જ હેતલ સહિતના ઉમેદવારોએ દોટ મૂકી હતી. દોડતી વખતે અચાનક જ હેતલ જોષી નીચે પટકાઇ હતી અને 108 મારફત હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હેતલ જોષીએ હોસ્પિટલના બિછાનેથી ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ કહ્યું હતું કે, પોતે સાડા આઠ મિનિટમાં 1500 મીટરની દોડ પૂરી કરી ચૂકી હતી. તેની પાસે હજુ એક મિનિટનો સમય હતો અને માત્ર 100 મીટર જ દોડવાનું બાકી હતું ત્યારે ઝડપથી 100 મીટર પૂરું કરવા સ્પ્રિન્ટ લગાવતાં જ તે પડી ગઇ હતી અને ડાબા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.