રાજકોટ શહેરના વધી રહેલા વિસ્તારને પગલે એસ.ટી. વિભાગ દ્વારા સેટેલાઇટ બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું કે, ગોંડલ રોડ પર રાજકોટ ડિવિઝનની કચેરી અને વર્કશોપ આવેલું છે. અહીં વર્ષોથી કચેરી અને વર્કશોપ કાર્યરત હોય બિલ્ડિંગ જૂનું થઇ ગયું છે. જેથી કચેરીનું નવું બિલ્ડિંગ તૈયાર કરવા રાજ્યના પરિવહન વિભાગે મંજૂરી આપી હતી. મંજૂરી બાદ રૂ.7 કરોડના ખર્ચે તમામ સુવિધાઓ સાથેનું અદ્યતન બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે.
અદ્યતન બિલ્ડિંગ તૈયાર થઇ જતા ટૂંક સમયમાં જૂની કચેરીમાં હાલ ફરજ બજાવતા 100 જેટલા અધિકારી, કર્મચારીઓ નવા બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં આવશે. નવા બિલ્ડિંગમાં સ્થળાંતર કરાયા બાદ જૂની કચેરીનું બિલ્ડિંગને તોડી પાડવામાં આવશે. રાજકોટમાં વધુ એક સેટેલાઇટ બસ સ્ટેન્ડ બનાવવાની રાજ્યના પરિવહન વિભાગમાં જાણ કરી હોય વડી કચેરીએ મંજૂરી આપી દેતા જૂની બિલ્ડિંગને તોડી પડાયા બાદ અહીં સેટેલાઇટ બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.