20 મેના રોજ મહરાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીનું મતદાન નિમિતે શેરબજાર બંધ રહયું હતું.શુક્રવારના રોજ કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક નીવડવા સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં વેચવાલી ધીમી પડયા બાદ ફોરેન ફંડો તેજીમાં આવતાં અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, લોકલ ફંડોની શેરોમાં અવિરત ખરીદી ઓટોમોબાઈલ શેરોની આગેવાનીએ જળવાતાં તેજી આગળ વધી હતી.
ચોમાસું સમયસર હોવાના હવામાન ખાતાના અહેવાલ અને વૈશ્વિક મોરચે અમેરિકા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ મજબૂતીના પરિણામે ડાઉ જોન્સ 40000ની સપાટી કુદાવ્યા સાથે આજે વૈશ્વિક બજારોમાં મજબૂતી રહી હતી. ઓટો શેરો સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ, ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ ઈન્ટ્રા-ડે 74000ની સપાટી પાર કરીને 74070.84 સુધી જઈ અંતે 253.31 પોઈન્ટ વધીને 73917.03 બંધ રહ્યો હતો.શુક્રવારે બીએસઇ સેન્સેક્સ ૨૫૩ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો, તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર પણ ૫૨ પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો, જયારે બેન્ક નિફ્ટી ફ્યુચર પણ 139 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોએ સતત મોટી ખરીદી કર્યા સાથે ઓપરેટરોએ પોતાના પસંદગીના શેરોમાં સક્રિય બન્યાના અહેવાલ વચ્ચે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. એ ગુ્રપના શેરોમાં પસંદગીની આક્રમક ખરીદી રહી હતી. કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં તેજીનો નવો રાઉન્ડ શરૂ થયો હોય એમ આજે ફંડોએ મોટી ખરીદી કરી હતી. પીએસયુ-જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરોમાં ફંડોએ આજે ફરી આક્રમક ખરીદી કરતાં બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ 281.36 પોઈન્ટ વધીને 20632.28 પર બંધ રહ્યો હતો.