કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી,વેપારીઓ દુઃખી હોવાના આક્ષેપ સાથે આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સવારે 8થી 12 સુધી બંધનું એલાન આપવા સાથે વેપારીઓ, ખેડૂતો સહિત બેરોજગારોને જોડાવવા અપીલ કરવામાં આવી હતી. કોંગ્રેસ ગુજરાત બંધના એલાન વચ્ચે ભરૂચ-દહેજ માર્ગ ઉપર ટાયરો સળગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. માર્ગ બંધ કરાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા.
જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય પાસે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી, પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા અને પેમ્પલેટ વેચી લોકોને બંધ પાડવા કરી અપીલ કરવા સાથે ચક્કાજામનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે કોંગી અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઇ જતાં કોંગી અગ્રણીઓએ આક્રોશ ઠાલવ્યો હતો.