શહેરમાં રૂખડિયાપરા ફાટક પાસે ભાડેથી મકાનમાં રહેતા રમેશભાઇ રઘુભાઇ દૂધકિયા (ઉ.42)એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસે તપાસ કરતા મૃતકના મોબાઇલમાં એક વીડિયો હતો જેમાં તેને પગલું ભર્યા પહેલાં વીડિયો ઉતારી જણાવ્યું હતું કે, તેને જે વાહન લીધું હતું તેના હપ્તાના રૂપિયા તેમજ વાહન પણ પાછું આપી દીધા બાદ વાહન માલિક સહીત બે શખ્સ તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોય જેથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
રૂખડિયાપરામાં રહેતા મૃતક રમેશભાઇની પત્ની રંજનબેને ફરિયાદ કરી હતી. જેમાં તેને આરોપી તરીકે રામદેવ ફાંગલિયા અને અજય ઉર્ફે લાલિયો રઘુભાઇ ચૌહાણના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું અને પતિ રમેશભાઇ ડ્રાઇવિંગ કામ કરતા હતા. અગાઉ પાંચેક માસ પહેલાં મારા પતિએ જૂની ટ્રક રામદેવભાઇ ફાંગલિયા પાસેથી લીધી હતી અને તેમાં રૂ.11 હજાર ટોકન આપ્યું હતું.