ઉત્તરાખંડમાં બે વર્ષ પછી બુધવારે બટર ફેસ્ટિવલ શરૂ થશે. જોકે, સ્થાનિક ભાષામાં તે અંઢૂડી ઉત્સવ કહેવાય છે, જે સમુદ્રની સપાટીથી 11 હજાર ફૂટની ઊંચાઈએ 28 કિ.મી.માં ફેલાયેલા બુગ્યાલ એટલે કે લીલા ઘાસનાં મેદાનોમાં પરંપરાગત રીતે ઊજવાય છે. આ દેશનું સૌથી ઊંચું સ્થળ છે, જ્યાં આવો ઉત્સવ થાય છે.
ગંગોત્રીના ધારાસભ્ય સુરેશ ચૌહાણ કહે છે કે પ્રાચીન કાળમાં પશુપાલકો આ ઉત્સવ ઊજવતા. તેના થકી તેઓ પોતાની અને પશુઓની સુરક્ષા માટે કુદરતનો આભાર વ્યક્ત કરતા. ત્યારે આ ઉત્સવ અંઢૂડી નામથી ઓળખાતો. થોડાં વર્ષોથી તે બટર ફેસ્ટિવલ નામે પણ ઓળખાય છે. હવે તે ભવ્ય રીતે મનાવાય છે. તેમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ પણ ભાગ લેશે. દયારા પ્રવાસન ઉત્સવ સમિતિ રૈથલના અધ્યક્ષ મનોજ રાણા કહે છે કે, અંઢૂડી ઉત્સવ સ્થાનિકો અને પ્રવાસીઓનો સંયુક્ત ઉત્સવ છે.
તેમાં સ્થાનિકોની સાથે દેશવિદેશના લોકો દૂધ, દહીં, માખણની હોળી રમે છે. ભટવાડી બ્લોકમાં રૈથલ ગામથી આઠ કિ.મી. દૂર આશરે 28 ચોરસ કિ.મી.ના દાયરામાં ફેલાયેલા દયારા બુગ્યાલમાં દર વર્ષે રૈથલના ગ્રામીણો ભાદ્રપદ મહિનાની સંક્રાંતિએ પરંપરાગત રીતે આ ઉત્સવ ઊજવે છે. આ દિવસે દયારા બુગ્યાલ સ્થિત લોકો ઝૂંપડીઓમાં ભેગા થઈને પશુધન ભેગું કરીને પોતાની ઈષ્ટ દેવીનું પૂજન કરે છે.