ટીમ ઈન્ડિયા હાલ પાકિસ્તાન સામેના હારને ભૂલી શ્રીલંકા સામેની મંગળવારે રમાનારી મેચ માટે તૈયારી કરી રહી છે. રવિવારે ભારતને સુપર-4 મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા સામે ભારતે ઓછા બોલિંગ વિકલ્પનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ વધુ પડતા પ્રયોગ કરવાથી બચવું પડશે. ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની ગેરહાજરીમાં ટીમ પાસે વધુ બોલિંગ વિકલ્પ નથી અને આ નબળાઈ પાકિસ્તાન સામેની મેચમાં જોવા મળી હતી. ગત મેચમાં આવેશ ખાન બીમારીને કારણે રમી શક્યો નહોતો. શ્રીલંકા સામે તે રમી શકે છે. આ શ્રીલંકાની ટૂર્નામેન્ટમાં 51મી મેચ રહેશે. તે ટૂર્નામેન્ટમાં 50 કે વધુ મેચ રમનાર એકમાત્ર ટીમ છે.
પાકિસ્તાન વિરુદ્ધ બાદ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે- તેણે ટેસ્ટ કેપ્ટન્સી છોડી હતી ત્યારે તેને માત્ર ધોનીએ મેસેજ કર્યો હતો. ખરાબ સમયમાં તેને માત્ર ધોનીએ સાથ આપ્યો હતો. કોહલીની આ વાત BCCIને ના ગમી. રિપોર્ટ્સ અનુસાર બોર્ડના અધિકારીએ કહ્યું કે,‘ટીમના દરેક ખેલાડીથી લઈ બોર્ડના સભ્યો સુધી તમામે તેનો સપોર્ટ કર્યો. બોર્ડના લોકોએ તેને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી. પરંતુ એ સમજાતું નથી કે તે એમ કેવી રીતે કહી શકે કે તેને કોઈએ સપોર્ટ ના કર્યો.’