રાજકોટમાં ધો.11માં અભ્યાસ કરતો 16 વર્ષીય ધ્રુવ જયેશભાઇ ટાંક આગામી તા.30ના રોજ મુર્શિદાબાદ ખાતે ગંગા નદીમાં યોજાનાર 19 કિ.મી.ની તરણ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તાજેતરમાં અમદાવાદ ખાતે ઓપન સિનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ધ્રુવે ઉત્તમ પ્રદર્શન કરી જુદી જુદી ઇવેન્ટમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મળી કુલ 4 મેડલ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે.
રમતગમતમાં પુત્ર સિદ્ધિ મેળવે તે ઉદ્દેશ સાથે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સંકળાયેલા જયેશભાઇ ટાંકે તેના પુત્ર ધ્રુવને 5 વર્ષની વયે સ્વિમિંગની રમતમાં સામેલ કર્યો હતો. 2013માં સ્વિમિંગની પ્રાથમિક તાલીમ મેળવ્યા બાદ ધ્રુવને સ્વિમિંગની રમત પ્રત્યે વધુ લગાવ થઇ ગયો હતો. ચાર વર્ષ સુધી સ્વિમિંગનું પ્રશિક્ષણ લઇ ધ્રુવે પહેલી જ વખત 2017માં રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. જેમાં જુદી જુદી ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યાં હતા. રાજ્ય કક્ષાએ પહેલા જ વર્ષે સિદ્ધિ મેળવ્યા બાદ કોચ બંકિમ જોષી અને નૈમિષ ભારદ્વાજ પાસે સઘન તાલીમ મેળવીને ઉત્તરોત્તર પ્રગતિ કરી. ધ્રુવને ભારતીય ટીમમાં સામેલ થઇ ઓલ્મિપિકમાં ભાગ લેવાનું લક્ષ્ય છે.