શહેરમાં પ્રથમ વખત 2 લાખ કેરેટ રફ હીરાનું વ્યૂઈંગ થશે. વિશ્વભરમાં રફની હરાજી માટે જાણીતી કંપની આ વ્યુંઈગ કરશે. જે જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના ઈચ્છાપોર ડાયટ્રેડ સેન્ટરમાં 3 જૂનથી થશે અને 3 દિવસ સુધી ચાલશે. ડાયટ્રેડ સેન્ટર શરૂ થયા પછી અત્યાર સુધીમાં 8 વખત વ્યુંઈગ થયા છે. તે કંપનીઓ 70 હજાર કેરેટ સુધીની રફ લાવીને વ્યુઈંગ કરતી હતી. પરંતુ અન્ય એક કંપની પ્રથમ વખત 600 કરોડથી વધારે કિંમતની 2 લાખ કેરેટ રફ હીરાની હરાજી કરશે.
જે-તે કંપની તેના દેશમાંથી ફ્લાઈટ મારફતે મુંબઈ રફ હીરા મોકલે છે. ત્યાર બાદ સુરત આવી ઈચ્છાપોરના ડાયટ્રેડ સેન્ટરમાં જાય છે. જે વેપારીઓને રફ ખરીદવામાં રસ હોય તે વેપારીઓ એન્ટ્રી મોકલે છે. અને ત્યાર બાદ તેમને રફ જોવા દેવા માટે હરાજીમાં પ્રવેશવા દેવામાં આવે છે. વ્યૂઈંગ થયા બાદ જે-તે કંપની રફ પરત લઈ જાય છે અને ત્યાર બાદ હરાજી થાય છે.
શહેરમાં 8 હજારથી વધારે હીરા કંપની, 2400 કરોડનું વ્યૂઈંગ
શહેરમાં 8 હજારથી વધારે હીરાકંપની છે. સુરતમાં જ કટ એન્ડ પોલિશ્ડ થતું હોવાથી રફની હરાજી કરવા ઈચ્છાપોરમાં સેન્ટરનું બનાવાયું છે. ગત ઓગસ્ટથી વ્યૂઈંગ શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં અંદાજે 2400 કરોડના રફ હીરાનું વ્યૂઈંગ થઈ ચુક્યું છે.