છેલ્લા 4 દિવસમાં રાજ્યભરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ગોંડલમાં પણ 4 દિવસમાં 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેનાથી ખેડૂતો ખુશ છે. કેમ કે, પાણીની સમસ્યાનો અંત આવશે. પરંતુ, આ 14 ઇંચ વરસાદે શહેર અને પંથકના રસ્તાઓને જમ્પિંગ રોડ બનાવી દીધા છે. ખાડાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
ગોંડલ શહેર અને પંથકના ડામર અને સિમેન્ટના રોડ વરસાદના લીધે સંપૂર્ણ ધોવાઇ ગયા છે. શહેરના નાના મોટા તમામ માર્ગોમાં મસમોટા ખાડા પડી ગયા છે. પાંજરાપોળના પુલ પર સિમેન્ટ રોડમાં પડેલા ખાડામાં લોખંડના સળીયા પણ દેખાતા થઈ ગયા છે. તો મોવિયા ચોકડી પાસે મસમોટા ખાડાને લઈને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ જેલ ચોકમાં એકથી બે ફૂટ સુધીના મસમોટા ખાડા પડતાં કોઈ જાગૃત નાગરિકે ટાયર રાખી વાહનચાલકોને સાવચેત કર્યા હતા. જોકે તંત્રની આંખ તો હજુ સુધી ખૂલી નથી.