આજે દેવઊઠી એકાદશી છે. ચાતુર્માસના ચાર મહિના સુધી યોગનિદ્રામાં રહ્યા પછી ભગવાન વિષ્ણુ આ દિવસે જાગે છે. એટલે તેને દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસ પછી જ લગ્ન, ગૃહ પ્રવેશ અને માંગલિક કામ શરૂ થઈ જાય છે.
આ વખતે લગ્ન અને અન્ય માંગલિક કાર્ય 4 નવેમ્બરથી શરૂ થઈ શકશે નહીં કેમ કે, હાલ શુક્ર તારો અસ્ત છે, જે 18 નવેમ્બરના રોજ ઉદય થશે. એટલે મોટાભાગના લગ્ન આ દિવસ પછી જ શરૂ થશે. છતાંય થોડી જગ્યાએ 4 નવેમ્બરના રોજ એટલે આજે લગ્ન થઈ રહ્યા છે કેમ કે દેવઊઠી એકાદશી એક વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે.
આજે ઘરમાં શેરડીનો મંડપ બંધાશે અને સાંજે ગોધુલિ વેળામાં તુલસી-શાલિગ્રામના લગ્ન થશે. મંદિરોમાં ખાસ પૂજા થશે. આ વખતે એકાદશીએ માલવ્ય, શશ, પર્વત, શંખ અને ત્રિલોચન નામના પાંચ રાજયોગ બની રહ્યા છે. સાથે જ, તુલા રાશિમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. આ શુભ સંયોગમાં દેવ પ્રબોધિની એકાદશીની પૂજા કરવાથી અક્ષય પુણ્ય મળશે. અનેક વર્ષ પછી એકાદશીએ આવો સંયોગ બન્યો છે.
શુક્ર અસ્ત પરંતુ વણજોયું મુહૂર્ત હોવાના કારણે લગ્ન થશે
જ્યોતિષ ગ્રંથોમાં દેવઊઠી એકાદશીને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. એટલે પંચાંગ જોયા વિના જ આ દિવસે માંગલિક કાર્યો કરી શકાય છે. આ પરંપરાના કારણે અનેક લોકો આજે લગ્ન કરશે. ત્યાં જ, જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે લગ્ન માટે જરૂરી તિથિ, વાર, નક્ષત્ર ન મળે તો આ દિવસે લગ્ન કરી શકાય છે પરંતુ શુક્ર ગ્રહ અસ્ત હોય તો વણજોયાં મુહૂર્તના દિવસે પણ લગ્ન કરવા જોઈએ નહીં.
દેવઊઠી એકાદશી પછી હવે લગ્નની સિઝન શરૂ થઈ જશે. પરંતુ આ વખતે શુક્ર અસ્ત હોવાથી લગ્ન માટેનું પહેલું મુહૂર્ત 22 નવેમ્બરના રોજ છે. જેથી આ વર્ષે એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન માટે 9 મુહૂર્ત જ રહેશે. પછી ધનુર્માસ શરૂ થઈ જવાના કારણે આવતા વર્ષે 15 જાન્યુઆરીથી લગ્ન શરૂ થશે. જે 28 ફેબ્રુઆરી સુધી ચાલશે.