દેશનો કન્ઝમ્પશન લોન પોર્ટફોલિયો માર્ચ 2024 સુધીમાં વાર્ષિક ધોરણે 15.2% વધી રૂ.90.3 લાખ કરોડ થયો છે. તાજેતરના ક્રેડિટ બ્યૂરો રિપોર્ટ અનુસાર ગ્રોથમાં જો કે માર્ચ 2023ના 17.4%ની તુલનાએ ઘટાડો થયો છે. જેનું કારણ હોમ લોન સેગમેન્ટમાં ઘટાડો છે, જે એકંદરે વપરાશના લોનના પોર્ટફોલિયોમાં 40.1% હિસ્સો ધરાવે છે.
હોમ લોનના પોર્ટફોલિયોનો ગ્રોથ નાણાવર્ષ 2024માં ઘટીને 7.9% રહ્યો હતો, જે FY23 દરમિયાન વાર્ષિક ધોરણે 23% જોવા મળ્યો હતો. જેનું કારણ ઓરિજિનેશનના ગ્રોથમાં ઘટાડો છે, જે FY24માં ઘટીને 9.2% રહ્યો હતો, જે ગત નાણાવર્ષ દરમિયાન 18.2% રહ્યો હતો. ઓરિજિનેશન એક પ્રક્રિયા છે જ્યાં કોઇ બેન્ક નવી લોન કે ધિરાણ માટેની પ્રક્રિયા શરૂ કરે છે, જેમાં અરજદારની અરજીનું મૂલ્યાંકન, પ્રોસેસિંગ અને મંજૂરી સહિતની કામગીરી સામેલ છે.
રિપોર્ટ અનુસાર ખાસ કરીને રૂ.35 લાખથી વધુની લોન લેવાનો ટ્રેન્ડ વધ્યો છે. જો કે એવરેજ ટિકિટ સાઇઝ FY20ના રૂ.20.1 લાખથી 32% વધીને FY24 દરમિયાન રૂ.26.5 લાખ નોંધાઇ છે. તેની સામે પર્સનલ લોન સેગમેન્ટમાં મજબૂત મોમેન્ટમ જોવા મળતામાં તેમાં નાણાવર્ષ 2024 દરમિયાન અનેક નિયમનકારી સુધારા છતાં 26%નો ઉછાળો જોવા મળ્યો છે. રૂ.10 લાખ અથવા તેનાથી વધુની ટિકિટ લોનનો વેલ્યૂની દૃષ્ટિએ ઓરિજિનેશનમાં વધારો થયો છે, જ્યારે વોલ્યૂમમાં રૂ.1 લાખથી નીચેનું લોનનો દબદબો છે.