રાજકોટ મનપા દ્વારા થોડા સમય અગાઉ બીગ બઝાર નજીક આવેલા નેપલ્સ ફૂડમાંથી ચીઝનાં નમુના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવી જતા ચીઝમાં તલનાં તેલની ભેળસેળ મળી આવી છે. નેપલ્સ ફૂડનાં ચીઝનાં નમુના ફેઈલ થતા તેની સામે એજ્યુડિકેશન મુજબની કાર્યવાહી કરવામાં આવનાર છે. તો આજે ચેકિંગ દરમિયાન તો શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલા બેકરીમાંથી 55 કિલો વાસી પફનો મસાલો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
મનપાનાં ફૂડ વિભાગના જણાવ્યા મુજબ 150 ફુટ રોડ પર પૃથ્વી એસ્ટેટના બ્લોક નં. 11માં આવેલા નેપલ્સ ફૂડઝમાંથી લુઝ ચીઝનો નમુનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરી તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટની હાજરી વધુ આવતા તેમજ તલના ઓઇલની હાજરી મળી આવતા નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ‘ (ફેઇલ) જાહેર થયો છે. જે અંગે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીએ જણાવ્યું હતું.