સુરતના સારોલી વિસ્તારમાં મોડેલિંગ કરવા આવેલી 19 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીએ ક્યાં કારણોસર આપઘાતનું અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા જ સુરત આવેલી આ યુવતી બહેનપણીઓ સાથે રહેતી હતી. આજે બહેનપણી ઘરે આવતા યુવતી લટકતી હાલતમાં મળી આવી હતી.
સુખપ્રીત કૌર અન્ય ત્રણ બહેનપણી સાથે રહેતી હતી મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશ અને સારોલી કુંભારિયા ગામમાં આવેલ સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણી સાથે રહેતી હતી અને તેનો પરિવાર વતનમાં રહે છે. સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલાં જ સુરતના સારોલી ખાતે મોડેલિંગનું કામ અર્થે આવી હતી.
સુખપ્રીતે ઘરે બેડરૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બહેનપણી ઘરે આવતા સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. બનાવ અંગે સ્થાનિક સારોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતકનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુખપ્રીતના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ રહ્યું છે. સારોલી પોલીસે આ અંગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.