રાજકોટ ભાવનગર હાઇવેને ફોર લેન બનાવ્યા પછી તંત્રને આશા હતી કે અકસ્માતોની વણઝાર અટકશે પરંતુ એવું બન્યું નથી. છાશવારે અહીં વાહનો અથડાવાના કે ગોળાઇમાં વાહનો ખેતર કે વાડીમાં ઉતરી જવાના અનેક બનાવોની વણઝાર શરૂ રહી છે. તાજેતરમાં જ રાજકોટ ભાવનગર હાઈવે પર આટકોટ પાસે રાજ ગેરેજ પાસે વહેલી સવારે આઈસર આડે આખલો ઉતરતાં આઇસરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં આઇસર વાડીના ખૂણા પર આવેલા ટીસી સાથે જોરદાર અથડાયું હતું અને પાસેની વાડીમાં જઇ પડ્યું હતું. જો કે સવારનો સમય હોઇ, ખાસ અવરજવર ન હોવાથી કોઇ જાનહાનિ થવા પામી ન હતી, જો કે પીજીવીસીએલના ટીસીના ભૂક્કા બોલી ગયા હતા અને આઇસર વાડીની દિવાલ પાસે અથડાઇને ઉભુ રહી ગયું હતું. જો કે આ ઘટનાના પગલે તાબડતોબ વીજ પૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.