દેશનો દરિયાકિનારો આશરે 7,500 કિલોમીટર સુધી ફેલાયેલો છે. તે જૈવ વિવિધતાના ખજાનાની સાથે સાથે આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર છે. જોકે તે દરિયાકાંઠાના ધોવાણના ગંભીર પડકારનો સામનો કરી રહ્યું છે. દરિયા કાંઠાના ધોવાણના મામલામાં પૂર્વ કિનારા પરની સ્થિતિ વધારે ચિંતાજનક છે. આ હિસ્સામાં દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રની તુલનામાં ધોવાણ ઝડપથી થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં તો અડધાથી વધુ દરિયાકિનારાના વિસ્તાર ધોવાણ હેઠળ છે. નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (NCCR)ના રિપોર્ટમાં આ ચોંકાવનારી બાબત સામે આવી છે.
1990 અને 2018ની વચ્ચે કરવામાં આવેલા અભ્યાસોના આધારે અહેવાલમાં જણાવાયું છે કે મુખ્ય ભૂમિમાં 6,907 કિમી દરિયાકિનારા પૈકી લગભગ 2,318 કિમી ધોવાણ માટે સંવેદનશીલ છે. જ્યારે 1,855 કિમીનો દરિયાકિનારો વધ્યો છે. 1990થી 2016ના સમયગાળાને આવરી લેતા અગાઉના અહેવાલની તુલનામાં ધોવાઇ ગયેલા દરિયાકિનારાનો હિસ્સો 29% ઘટ્યો, જ્યારે ધોવાણ 0.6% વધ્યું છે.
દેશનો દરિયાકિનારો 9 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલો છે. 2011ની વસતીગણતરી મુજબ, 66 દરિયાકાંઠાના જિલ્લાઓની વસતી 17.1 કરોડ હતી, જે કુલ વસતીના 14% છે. NCCRએ પૃથ્વી વિજ્ઞાન હેઠળની એક ઓફિસ છે. 1990થી, તે દેશના દરિયાકિનારામાં થતા ફેરફારો પર નજર રાખી રહ્યું છે. માત્ર ભારત જ નહીં વિશ્વના અન્ય દેશો પણ દરિયાકાંઠાના ધોવાણથી પરેશાન છે. અમેરિકામાં દરિયાકાંઠાની સંપત્તિને વાર્ષિક સરેરાશ 4200 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.