રાજકોટ શહેરના વોર્ડ નં.13માં મવડી પ્લોટના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો પર સોમવારે મહાનગરપાલિકાની ટીપી શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને અંદાજે રૂ.1.25 કરોડની 2500 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની ટી.પી.શાખાએ વોર્ડ નં.13ના મવડી ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં રેલવે પાટા પેરેલલ 12 મીટર પહોળા અને અંદાજે 150 રનિંગ મીટર લંબાઇમાં ગેરકાયદે ખડકાયેલા 22 નાના મકાન, 2 નાના મંદિર, 20 ઇન્ડસ્ટ્રિયલ શેડ, 1 પાનમસાલા કેબિન, 1 ઢોરવાડા સહિતના દબાણો દૂર કરવા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેના પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. ટીપી શાખાએ રૂ.1.25 કરોડની 2500 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ હતી. આ ઓપરેશન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિજિલન્સના ચુસ્ત બંદોબસ્ત સાથે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.