રાજકોટ શહેરમાં બુધવારની મોડી રાત્રે 1.30 વાગ્યે પવનની ગતિ વધી હતી અને વીજળીના કડાકા ભડાકા શરૂ થયા હતા. થોડી જ વારમાં વરસાદ શરૂ થતાં રાજકોટવાસીઓ સફાળા જાગી ગયા હતા. જોકે ભારે પવનને કારણે વરસાદ ઓછો પડ્યો હતો. રાત્રી દરમિયાન 18 મીમી વરસાદ પડવાથી અસર એ થઈ કે વહેલી સવારે ઠંડક પ્રસરી ગઈ હતી. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આ કારણે મહત્તમ તાપમાન કે જે બુધવારે 36 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું તે ગુરુવારે ઘટીને 29 ડિગ્રીએ પહોંચી ગયું હતું.
ગુરુવારે બપોરના સમયે છૂટાછવાયો વરસાદ પડ્યો હતો. જોકે સાંજના સમયે ફરી બફારા બાદ રાત્રીના સમયે વરસાદ આવ્યો હતો. આ સાથે દિવસમાં બીજા 15 મીમી સહિત કુલ 33 મીમી એટલે કે સવા ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈથી આવેલી સિસ્ટમને કારણે વડોદરા, અમદાવાદમાં વરસાદ પડ્યા બાદ રાજકોટમાં પણ તેની અસર વર્તાઈ છે. આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. ત્યારબાદ ફરીથી આકાશ સ્વચ્છ બનશે અને પારો ક્રમશ: વધશે.