જી-20 દેશો રશિયાની જ્યારે નિંદા કરી રહ્યા હતા ત્યારે જ રશિયન પ્રમુખ વ્લાદીમીર પુતિને યુક્રેન પર સૌથી ભીષણ હુમલા કરી દીધા હતા. આ હુમલાનાં ભાગરૂપે 100થી વધારે મિસાઇલો ઝીંકી દેવામાં આવી હતી. આમાંથી અડધીથી વધુ મિસાઇલોએ ભારે તબાહી મચાવી હતી. 12 શહેરોમાં મિસાઇલોએ તબાહી મચાવી હતી.
યુક્રેનના પાટનગર કિવમાં નિવાસી ઇમારતોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. હવાઇ હુમલાને લઇને એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અડધાથી વધુ મિસાઇલોએ તબાહી મચાવી હતી. જ્યારે બાકીની મિસાઇલોને યુક્રેને હવામાં જ ફુંકી મારી હતી. યુક્રેનની સામે રશિયાએ હજુ સુધીના સૌથી મોટા અને ભીષણ હુમલા કર્યા હતા. આ હુમલા એ વખતે કરવામાં આવ્યા હતા જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાની દિશા અને દશા નક્કી કરવા માટે 20 મોટા દેશ અથવા તો જી-20 દેશો ઇન્ડોનેશિયાના પાટનગરમાં બેઠક યોજી રહ્યા હતા. બેઠકમાં યુક્રેન યુદ્ધનો મુદ્દો છવાયેલો રહ્યો હતો.
જી20 સમિટમાં મંચ પરથી મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિથી લઈને ખાદ્યસુરક્ષા સુધીના મુદ્દે વિશ્વને મોટો સંદેશ આપ્યો. ‘ખાદ્ય અને ઊર્જા સુરક્ષા સત્ર’ને સંબોધન કરતા તેમણે યુદ્ધ વિરામ અને વ્યૂહનીતિનો મુદ્દો છેડીને રશિયાને કડક સંદેશ આપ્યો કે, તેઓ ફરી શાંતિના માર્ગે પાછા ફરે. જી20માં વડાપ્રધાન મોદીનું આ નિવેદન અનેક રીતે મહત્ત્વનું મનાય છે કારણ કે, જી20ના અન્ય દેશ પણ આ ઈચ્છે છે.
હકીકતમાં સમિટના છેલ્લા દિવસે જી20 નિવેદન જારી કરશે, જેમાં રશિયાની કડક ટીકા કરાશે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે, તેના પર કેટલા દેશના હસ્તાક્ષર છે, પરંતુ કહેવાય છે કે, આ મુદ્દે મોટા ભાગના દેશ સંમત છે. હાલ ચીનનું વલણ સ્પષ્ટ નથી.