રાજકોટના રૂ.110 કરોડના ખર્ચે બનેલા નવા કોર્ટ બિલ્ડિંગનું ગત જાન્યુઆરી માસમાં ચીફ જસ્ટિસે લોકાર્પણ કર્યા બાદ 9 મહિના વીતી ગયા પછી પણ હજુ અનેક પ્રશ્નો યથાવત્ હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગમાં સ્ટેમ્પ વેન્ડરો, બોન્ડ રાઇટરો અને પિટિશન રાઇટરોને ટેબલ માટે જગ્યા નહીં ફાળવાતા અરજદારોને ભારે હેરાનગતિ અનુભવી પડી રહ્યાની વિગતો પ્રકાશમાં આવી છે અને દરરોજ સેંકડો અરજદારોને સોગંદનામા, સ્ટેમ્પ પેપર, કોર્ટ ટિકિટ, સ્પોટ અરજી સહિતના વિવિધ પ્રકારોના કામો માટે નવા કોર્ટ બિલ્ડિંગથી જૂના કોર્ટ બિલ્ડિંગ સુધી ધક્કા ખાવા પડતા હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.
રાજકોટના અગ્રગણ્ય વકીલોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટના જૂના કોર્ટ બિલ્ડિંગમાં સ્ટેમ્પ વેન્ડરો, બોન્ડ રાઇટરો અને પિટિશન રાઇટરો માટે 25થી 30 જેટલા ટેબલો મૂકવામાં આવ્યા હતા.પરંતુ નવા કોર્ટ બિલ્ડિંગનું ચીફ જસ્ટિસે લોકાર્પણ કરાયા બાદ આજે 9 મહિના થવા આવ્યા છતાં સ્ટેમ્પ વેન્ડરો, પિટિશન રાઇટરો અને બોન્ડ રાઇટરોને બેસવા માટે ટેબલો ફાળવવાનો પ્રશ્ન યથાવત્ છે.