ભારતને સર્વાઇકલ (ગર્ભાશયના) કેન્સરની પહેલી સ્વદેશી રસી મળી ગઇ છે. તેનું નામ ‘ક્વાડ્રિવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાઇરસ વેક્સિન’ (qHPV) છે, જે પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેક્નોલોજીએ સાથે મળીને બનાવી છે. આ રસી ‘સર્વાવેક’ નામથી પણ ઓળખાશે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ અને સીરમ ઇન્સ્ટિ.ના સીઇઓ અદાર પુનાવાલાએ ગુરુવારે આ રસી લૉન્ચ કરી. પુનાવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે રસીની કિંમત અંગે ભારત સરકાર સાથે ચર્ચા જારી છે. રસી સસ્તી હશે. તેની કિંમત 200થી 400 રૂ.ની વચ્ચે હશે.
રસી થોડા મહિનામાં બજારમાં આવી જશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC-WHO)ના જણાવ્યાનુસાર ભારતમાં દર વર્ષે ગર્ભાશયના કેન્સરના અંદાજે 1.23 લાખ કેસ આવે છે, જેમાંથી 67 હજાર મહિલાઓ જીવ ગુમાવે છે. ગર્ભાશયનું કેન્સર ભારતની મહિલાઓમાં બીજું સૌથી સામાન્ય કેન્સર છે અને 15થી 44 વર્ષની સ્ત્રીઓમાં કેન્સરથી મોતનું બીજું સૌથી સામાન્ય કારણ પણ છે. રસીના કારણે હજારો મહિલાઓને આ કેન્સર સામે રક્ષણ મળશે.