શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ હવે સંસદીય ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કરનાર ડાબેરી અનુરા દિસાનાયકેની પાર્ટી તમામ સરવેમાં અન્ય પક્ષો કરતા મોખરે છે. 14મી નવેમ્બરે યોજાનારી સંસદીય ચૂંટણીમાં રસપ્રદ સ્થિતિ સર્જાઈ છે. આ વખતે એવું બન્યું છે કે જ્યારે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ સંસદીય ચૂંટણી મેદાનમાં નથી. આ વખતે ત્રણ પૂર્વ પ્રમુખો – રાનિલ વિક્રમસિંઘે, મહિન્દા રાજપક્ષે અને મૈથરીપાલા શ્રીસેના ચૂંટણી લડી રહ્યા નથી. નામાંકન પરત ખેંચ્યા બાદ ત્રણ પૂર્વ રાષ્ટ્રપતિ સહિત 20 જેટલા મોટા ચહેરા હવે મેદાનમાં નથી. આ નેતાઓને અનુરાની સામે પોતાની હાર દેખાઈ રહી છે. બીજી તરફ રાષ્ટ્રપતિ બન્યા બાદ અનુરાએ જાહેરાત કરી કે પૂર્વ રાષ્ટ્રપતિઓના કાર્યકાળની તપાસ કરાશે.ત્યારે તપાસથી બચવા માટે ત્રણેય પૂર્વ પ્રમુખોએ ચૂંટણી મેદાનમાંથી હટ્યા.
શ્રીલંકાના રાજકારણમાં હવે રાજપક્ષે પરિવારનો દબદબો સમાપ્ત આ સંસદીય ચૂંટણી પછી શ્રીલંકાના રાજકારણમાં રાજપક્ષે પરિવારનો દબદબો સમાપ્ત થશે. આ એ જ રાજપક્ષે પરિવાર છે, જેની એક સમયે શ્રીલંકામાં બોલબાલા હતી. શ્રીલંકાની રાજનીતિ મહિન્દા રાજપક્ષે અને ગોટાબાયા રાજપક્ષેની આસપાસ ફરતી હતી. રાજપક્ષે પરિવારના દરેક ઉમેદવારે બહુમતી સિંહલી મતદારોના આધારે દરેક ચૂંટણીમાં ભારે માર્જિનથી જીત મેળવી હતી. પરંતુ, આજે સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોના ભારે વિરોધને જોતા મહિન્દા અને ગોટાબાયા રાજપક્ષે ચૂંટણી પણ લડી શકતા નથી. કોઈક રીતે મહિન્દા રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષેએ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની હિંમત કરી, પરંતુ તેમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો. મહિન્દા રાજપક્ષેના પુત્ર અને પૂર્વ રમતગમત અને યુવા પ્રધાન નમલ રાજપક્ષેને શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર 3% મત મળ્યા હતા. કોલંબો સ્થિત રાજકીય વિવેચક જયદેવ ઉયાનગોડાએ ગયા વર્ષે બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે શ્રીલંકામાં અગાઉ સેનાનાયકે, જયવર્દને અને બંદરનાયકે જેવા રાજકીય પરિવારોનું વર્ચસ્વ હતું, પરંતુ રાજપક્ષે પરિવારે ભત્રીજાવાદની નવી ઊંચાઈઓને સ્પર્શી છે.