મણિપુરના મેઇતેઈ અને કુકી સમુદાયના લગભગ 20 ધારાસભ્યોની મંગળવારે બેઠક મળી હતી. 18 મહિના પહેલાં પૂર્વોત્તર રાજ્યમાં જાતીય હિંસા ફાટી નીકળ્યા બાદ આ પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો ઉદ્દેશ રાજ્યમાં ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો હતો. ગૃહમંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાજપના સાંસદ સંબિત પાત્રા અને નાગા સમુદાયના ત્રણ ધારાસભ્યો પણ હાજર હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મણિપુરના સીએમ એન. બિરેનસિંહ બેઠકમાં હાજર રહ્યા ન હતા પરંતુ, કેન્દ્ર વતી વાટાઘાટકાર એ.કે. મિશ્રા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. મેઇતેઈ અને કુકી ધારાસભ્યો એક જ રૂમમાં એકઠા થયા હતા. છેલ્લા દોઢ વર્ષમાં 10 કુકી ધારાસભ્યોમાંથી એકે પણ મેઇતેઇના પ્રભુત્વવાળા ઇમ્ફાલમાં પગ મૂક્યો નથી.
મણિપુરમાં 7 નવા જિલ્લા પરત ખેંચવા નાગા કાઉન્સિલના અલ્ટિમેટમ પછી કુકી-મેઇતેઈ વાટાઘાટો માટે તૈયાર થયા મણિપુરમાં છેલ્લા 18 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે પ્રથમ વખત મેઇતેઈ અને કુકી સમુદાયના ધારાસભ્યો-મંત્રીઓએ મંગળવારે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધો હતો. હિંસા શરૂ થયા બાદ આ પહેલીવાર બન્યું હતું જ્યારે બંને સમુદાયના નેતાઓ સામસામે બેસીને વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટોમાં મણિપુરના નાગા ધારાસભ્યો અને મંત્રીઓ પણ સામેલ હતા. વાસ્તવમાં આ મંત્રણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સીધી દેખરેખમાં આયોજિત કરાઈ હતી. આ પહેલાં પણ સરકારે બંને સમુદાયો સાથે અલગ-અલગ મંત્રણા કરી ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ ઉકેલ લાવી શકાયો ન હતો. મણિપુરની વર્તમાન સ્થિતિ પર નજર રાખનારા નિષ્ણાતો કહે છે કે સરકારે બંને સમુદાયો પર સતત દબાણ કર્યું છે જેથી કરીને રાજ્યમાં હિંસક સ્થિતિને કોઈક રીતે સામાન્ય કરી શકાય. એવી ચર્ચા છે કે મણિપુરમાં વસતા નાગા સમુદાયે તેમની માગણીઓને લઈને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે તરત જ રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાવા લાગી.