હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર નદીમાં કરેલા સ્નાનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જેમ ગંગાજીમાં સ્નાન કરવાથી તમારાં તમામ પાપ ધોવાઈ જાય છે તેમ હરિયાણા રાજ્યના થાનસેરમાં આવેલા બ્રહ્મા સરોવરમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે. આ બ્રહ્મા સરોવરનું આ સિવાય પણ આગવું આધ્યાત્મિક મહત્ત્વ છે. તેથી જ અહીંયાં ભારતભરમાંથી જ નહીં, પરંતુ વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ સ્નાન અર્થે અને દર્શનાર્થે આવે છે. આ સરોવર વિશે એક આધ્યાત્મિક કથા પણ ખૂબ જ પ્રચલિત છે અને આ સરોવર મહાભારતકાળ સાથે પણ જોડાયેલું છે. કહેવાય છે કે આ સરોવરની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હતી. મહાભારતકાળમાં જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે યુદ્ધના છેલ્લા દિવસે દુર્યોધન આ જ સરોવરમાં સંતાયો હતો. આ બ્રહ્મા સરોવરની ઉત્તર દિશામાં શિવમંદિર આવેલું છે.
સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન સ્નાન કરવા પાછળની એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે, આ દિવસે સરોવરમાં ડૂબકી લગાવવાથી અશ્વમેધ યજ્ઞ કર્યાં બરાબરનું પુણ્ય મળે છે. અહીં અંગ, મગધ, પાંચાલ, કાશી, કૌશલ જેવા અનેક રાજ્યોના રાજા-મહારાજાઓ પણ ગ્રહણના દિવસે સ્નાન કરવા માટે આવ્યા હતા. જ્યારે દ્વારકાનો કિલ્લો અનિરુદ્ધ અને કૃતવર્માને સોંપીને ભગવાન શ્રીકૃષ્ણ, અક્રુર, વાસુદેવ, ઉગ્રસેન, ગદ, પ્રદ્યુમ્ન, સામવ અને યદુવંશી પણ અહીં સ્નાન કરવા આવેલા હતા. એટલું જ નહીં, વ્રજભૂમિમાંથી મોટી સંખ્યામાં ગોપ-ગોપિકાઓ પણ અહીં સ્નાન કરવા આવેલાં છે જે દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ તેમને મળીને દ્રૌપદી સહિત પાંચેય પાંડવોને પણ મળ્યા હતા.જોકે, સ્નાન માટેનો યોગ્ય સમય સૂર્યોદયથી લઇને સૂર્યાસ્ત વચ્ચેનો માનવામાં આવે છે, કારણ કે આ સમયે પ્રકૃતિની રોશનીમાં સરોવર ખૂબ જ મનોહર જણાય છે અને સરોવરને પણ સ્પષ્ટ રીતે દૂર દૂર સુધી જોઇ શકાય છે.