આજે ભારત-ન્યૂઝીલેન્ડ T20 સિરીઝની પહેલી મેચ રમાઈ ગઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે 21 રને જીત મેળવી હતી. કિવી ટીમે આપેલા 177 રનના ટાર્ગેટની સામે ટીમ ઈન્ડિયા નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 155 રન જ કરી શકી હતી. ન્યૂઝીલેન્ડના બોલર્સે શાનદાર શરૂઆત કરી હતી. તેઓએ ટીમના ટૉપ-ઑર્ડરને આઉટ કર્યા હતા. એક તબક્કે ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 ઓવરે 3 વિકેટે 15 રન હતો. જોકે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ ટીમની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. જોકે સૂર્યા 47 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ફરી વિકેટ પડવા લાગી હતી. અંતમાં વોશિંગ્ટન સુંદરે લડત આપતાં 50 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ મિચેલ સેન્ટનર, માઇકલ બ્રેસવેલ અને લોકી ફર્ગ્યુસને 2-2 વિકેટ લીધી હતી. જ્યારે જેકોબ ડફી અને ઈશ સોઢીને 1-1 વિકેટ મળી હતી. 3 મેચની સિરીઝમાં કિવી ટીમ 1-0થી આગળ છે.