રાજકોટ સહિત રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષા આજથી શરૂ થઇ રહી છે. ધો.3થી 8ના વિદ્યાર્થીઓની 17થી 24 ઓક્ટોબર સુધી પ્રથમ સત્રાંત પરીક્ષા લેવામાં આવશે જેમાં આશરે 93 હજાર જેટલા વિદ્યાર્થી બેસશે. ધો.3થી 8ની પ્રથમ સત્રાંત કસોટી માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને આપવામાં આવ્યું છે. 24 ઓક્ટોબર સુધી પરીક્ષા બાદ 28મીથી દિવાળી વેકેશન પડી જવાનું હોવાનું જાણવા મળ્યું છે.
દરેક દિવસે ધોરણ 3થી 5 અને ધોરણ 6થી 8 માટે અલગ અલગ સમય છે. ધોરણ 3થી 5 માટે 11થી 13 સુધીનો સમય અને ધોરણ 6થી 8 માટે 14થી 17 સુધીનો સમય છે. ધોરણ 3થી 5ની તમામ કસોટી 40 ગુણ સાથે આવશે ત્યારે ધોરણ 6થી 8ની તમામ કસોટી 80 ગુણની લેવાશે. આ પરીક્ષામાં ધો.3થી 8ના વિવિધ વિષયોમાં જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર પ્રથમ સત્રનો જૂનથી ઓક્ટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે.