રાજકોટ શહેરમાં સતત બે દિવસથી મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ છે. આ સાથે સતત બીજા દિવસે રાજકોટ શહેર રાજ્યનું સૌથી ગરમ મથક તરીકે નોંધાયું છે અને ભુજ પણ તેમાં રાજકોટ સાથે રહ્યું છે. જોકે હજુ પણ ગરમી વધશે તેવી આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહે પોરબંદર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ છે જેની અસર પાંચ દિવસ રહેશે અને સૌરાષ્ટ્રમાં પણ અસર વર્તાશે. દરિયાકાંઠાના વિસ્તારમાં હીટવેવને પગલે વાતાવરણ અસહ્ય બની શકે છે. આ હીટવેવની અસર તળે રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન પણ હાલ 18 ડિગ્રી સેલ્સિયસથી વધીને 21 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતા છે.
રવિવારે હોળી અને સોમવારે ધુળેટી છે તેથી અનેક પરિવારોએ શનિથી સોમવાર સુધીની રજાઓ માળવા આયોજન કર્યા છે. આ માટે મોટાભાગના લોકો દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરવા જવાનું પસંદ કરશે. જોકે દરિયાકાંઠે જ હીટવેવની આગાહી હોવાથી તે વિસ્તારોના પ્રવાસીઓને પૂરતા પ્રમાણમાં પાણી પીવા તેમજ લૂ ન લાગે તેવા વસ્ત્રો પહેરવા સલાહ આપી છે.