દુનિયાભરની કંપનીઓ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઇને પોતાની રીતે જ અનેક યોજના ઘડી રહી છે. ગત વર્ષે નવેમ્બરમાં ઓપન AI તરફથી ચેટજીપીટીના લોન્ચિંગ બાદ કોર્પોરેટ જગતમાં AIને લઇને નવા નવા પ્રયોગ શરૂ થઇ ગયા છે. આ કેટલો ગંભીર મામલો છે, તેનો અંદાજ એનાથી જ લગાવી શકાય છે કે ઇન્વેસ્ટર્સ કૉલ દરમિયાન AIની ચર્ચા એક વર્ષ પહેલાની તુલનાએ 77% વધી છે.
શેરમાર્કેટમાં AIની વ્યાપકપણે અસર જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે આ વર્ષે અત્યાર સુધી એનવિડિયા કોર્પ મોટી કંપનીઓની વચ્ચે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શેર રહ્યો છે. એનવિડિયા જટિલ એઆઇ કંપ્યૂટિંગ ટાસ્ક માટે જરૂરી સેમિંકડક્ટર ચિપ બનાવે છે. જે કંપનીના નામ સાથે AI જોડાયેલું છે તેના શેર્સમાં પણ તેજી જોવા મળી રહી છે. પરંતુ AI સાથે તેને કોઇ લેવાદેવા ન હોય તેવું બની શકે છે. અર્થાત્, 2023માં અત્યાર સુધી બિગબેયર ડૉટ એઆઇ હોલ્ડિંગ્સના શેરમાં 300%નો ઉછાળો જોવા મળ્યો છે અને બજફીડ ઇંકના શેરની કિંમત પણ બમણીથી વધુ વધી છે. ગાર્ડફોર્સ AIના શેરમાં પણ 51%નો ઉછાળો જોવા મળ્યો છે.