અમદાવાદમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. ચોમાસાની વિદાય બાદ પણ હજી જાણે જોરદાર ચોમાસું જામ્યું હોય તેમ આકાશમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે, જ્યારે પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ઝરમર અને વરસાદી છાંટા પડ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, થલતેજ, ઇસ્કોન, એસજી હાઇવે, મેમનગર, ગુરુકુળ, બોપલ, શીલજ, ઘુમા, સિંધુભવન રોડ પર ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના રાણીપ, ન્યુ રાણીપ, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, સુભાષબ્રિજ, વાડજ, નવા વાડજ, ઉસ્માનપુરા, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો છે.
ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જિલ્લાઓમાં વરસાદે ઉભા પાકનો વિનાશ વેર્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવા સહિત કેટલાક વિસ્તારમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરંતુ વીજળીના ચમકારાથી ભરનિંદ્રામાં રહેલા લોકો જાગી ગયા હતા. હજુ પણ આગામી બેથી ત્રણ કલાક માટે અમદાવાદ શહેરમાં આ પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.