એશિયા કપના સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન પછી શ્રીલંકા સામે પણ હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું, તો શ્રીલંકાએ 4 વિકેટે પરાજય આપ્યો હતો. આ હારનાં આમ તો ઘણાં કારણો છે. ગેમ દરમિયાન કેપ્ટનશિપમાં ભૂલ થવી, પંતથી વિકેટકીપિંગમાં ભૂલ થવી, આ બે કારણ ભારતને જીતથી દૂર રાખ્યા હતા.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન અને શ્રીલંકા સામે અમુક કેપ્ટનશિપમાં ભૂલ કરી હતી, જે આખરે ભારતને નડી હતી. તેણે પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં એકસરખી ભૂલ કરી હતી. તેણે 19મી ઓવર અર્શદીપ સિંહની જગ્યાએ ભુવનેશ્વર કુમારને આપી હતી, જેમાં ભુવનેશ્વરે ઘણા રન આપી દીધા હતા. બન્ને મેચમાં અર્શદીપને 6 બોલમાં 7 રન બચાવવાના હતા, એમાં તે સ્વાભાવિકપણે નિષ્ફળ રહેવાનો જ હોય.
ટીમ સિલેક્શનમાં ગરબડ
પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં ભારતની પ્લેઇંગ-11 સારી રહી નહોતી. પાકિસ્તાન સામેની મેચમાં એક લેફ્ટ હેન્ડ બેટ્સમેનને રાખવા માટે ઈન-ફોર્મ દિનેશ કાર્તિકની જગ્યાએ રિષભ પંતને લેવામાં આવ્યો હતો. તો ઈજાગ્રસ્ત જાડેજાના રિપ્લેસમેન્ટમાં આવેલા અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યો નહોતો. શ્રીલંકા સામેની મેચમાં પણ એ જ થયું. અશ્વિનને શ્રીલંકા સામેની મેચમાં પ્લેઇંગ-11માં પાકિસ્તાન સામે ભારતનો સૌથી સફળ બોલર રહેલો, રવિ બિશ્નોઈની જગ્યાએ સ્થાન મળ્યું હતું. તો ફરી કાર્તિકને ટીમમાં લેવામાં આવ્યો નહોતો. રિષભ પંત ફરી એકવાર બેટિંગમાં નિષ્ફળ રહ્યો હતો.