પાટણ જિલ્લામાં રાધનપુરના કોરડા ગામના નકલી ડો. સુરેશ ઠાકોરે પાટણના નિઃસંતાન દંપતીને નવજાત બાળક રૂ.1.20 લાખમાં વેચી માર્યું હતું. જોકે, બીમાર રહેતા એક જ મહિનામાં તેને પાછું આપી દેવાયું હતું. નકલી ડોક્ટરે કુશ હોસ્પિટલની ફિમેલ હેલ્થ વર્કર શિલ્પા ઠાકોરની સાથે મળીને ડીસા નજીક ગઢના મોટા ગામની સીમમાં ત્યજી દીધું હતું. આ નવજાત બાળક થરાની સંસ્કાર હોસ્પિટલમાં ફરજ બજાવતા રૂપસિંહ ઠાકોરે આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. જેથી તેને પોલીસે ડિટેઈન કર્યો છે. દરમિયાન પોલીસ તપાસમાં બાળક જીવિત હોવાનું અને તંદુરસ્ત હાલતમાં પાલનપુરના શિશુગૃહમાં હોવાનું ખૂલ્યું છે. ગત મે મહિનામાં બાળકને રાતના અંધારામાં ત્યજી દીધું હતું. પાટણ અને બનાસકાંઠા એમ બે જિલ્લામાં આ બાળતસ્કરી રેકેટના તાર ખૂલ્યાં છે. અન્ય વેચાયેલા બાળકની પણ પોલીસને લિંક મળી છે. પૂછપરછમાં વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.
પાટણના એસપી રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 23 નવેમ્બરે બી ડિવિઝન ખાતે નીરવ મોદીએ એક ઈનલીગલ ચાઈલ્ડ એડોપ્શનની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી સુરેશ ઠાકોર વિરૂદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. સુરેશ ઠાકોરને અરેસ્ટ કર્યા બાદ તેની પુછપરછ દરમિયાન એવું ખુલવા પામ્યું હતું કે, તે શિલ્પા ઠાકોર કામલપુર-રાધનપુરના રહેવાસી છે અને સર્ટિફાઈડ ફિમેલ હેલ્થવર્કર છે. જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરે છે. તે સુરેશના સંપર્કમાં આવ્યા. ત્યારબાદ સુરેશનો સંપર્ક કરીને એક રૂપસિંહ ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય. તેના દ્વારા એમને જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે. તમે આ બાળકને લઈ જાવ. જેથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર રાધનપુરથી થરા હોસ્પિટલ જાય છે. ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે. નિષ્કા હોસ્પિટલમાં સારવાર બાદ ફરિયાદી નીરવ મોદીનો સંપર્ક કરે છે. સંપર્ક બાદ બાળક આપવાનું નક્કી થાય છે. ફરિયાદમાં લખ્યું છે તેમ 1 લાખ 20 હજારની કિંમતમાં બાળક આપવાનું હતું.