દેશનો ગ્રોથ આઉટલુક મજબૂત સ્થાનિક એન્જિનથી પ્રેરિત છે અને વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજકીય તણાવ છતાં ખાનગી રોકાણમાં પણ વધારો થઇ રહ્યો છે તેવું RBIએ તેના ઑક્ટોબરના બુલેટિનમાં જણાવ્યું છે. વર્ષ 2024ના પહેલા છ મહિના દરમિયાન વૈશ્વિક અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે, જેમાં ફુગાવામાં ઘટાડાને કારણે પરિવારમાં ખર્ચ પણ વધ્યો છે. બુલેટિનમાં પ્રકાશિત સ્ટેટ ઑફ ઇકોનોમી લેખ અનુસાર હળવી નાણાકીય નીતિ વચ્ચે મજબૂત ગ્રોથ મોમેન્ટમ એ મોટા ભાગના અર્થતંત્રની હવે થીમ છે. ભૌગોલિક રાજકીય તણાવ છતાં દેશના ગ્રોથ આઉટલુકને મજબૂત સ્થાનિક એન્જિનનો ટેકો મળી રહ્યો છે. જો કે વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટર દરમિયાન ભારે વરસાદ જેવા પરિબળોને કારણે મોમેન્ટમમાં કેટલાક અંશે ઘટાડો નોંધાયો હતો.
RBIના ડેપ્યુટી ગવર્નર માઇકલ દેબાબ્રાતા પાત્રાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ખાનગી રોકાણમાં વધારો એ પ્રોત્સાહક સંકેત છે તેમજ તહેવારોના આગમન સાથે વપરાશ ખર્ચમાં પણ મોમેન્ટમ તેજી તરફી છે. સતત બે મહિના સુધી ફુગાવો ટાર્ગેટથી નીચે રહ્યા બાદ સપ્ટેમ્બરમાં તેમાં વધારો થયો હતો. દેશની ગ્રોથ સ્ટોરી આગામી સમયમાં પણ યથાવત્ રહે તેવી શક્યતા છે. તેનું કારણ વપરાશમાં વધારો અને રોકાણ છે. બીજી તરફ ગ્રામીણ માંગ અને કૃષિ ક્ષેત્રનો મજબૂત દેખાવ પણ છે. આગામી સમયમાં સર્વિસ સેક્ટરના ઉત્કૃષ્ટ દેખાવને પગલે શહેરી વિસ્તારમાં પણ માંગ વધવાની શક્યતા છે.