રાજકોટમાં રૈયાનાકા રોડ પર સ્થિત કામનાથ મહાદેવ મંદિરના 74મા પાટોત્સવની શનિવારે ઉજવણી થશે. આ તકે ભવ્ય વરણાગી પણ નીકળશે. જે બપોરે 2.30 કલાકે મંદિરેથી નીકળશે અને પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રામાયણ પાઠશાળા, આશાપુરા રોડ, કોઠારિયા નાકા, દરબારગઢ રોડ થઈ મંદિરે પરત ફરશે અને ત્યાં પૂર્ણ થશે. ફુલેકા દરમિયાન જામખંભાળિયાની પ્રખ્યાત આંબાવાડી કલાવૃંદ તેમજ સૌરાષ્ટ્રભરના વિવિધ સ્થળેથી આવેલી રાસમંડળીઓ પણ રાસ-ગરબાની રમઝટ બોલાવશે. પાટોત્સવ અંતર્ગત પ્રાત: કાળથી ભગવાન કામનાથ મહાદેવનું ષોડશોપચારથી પૂજન કરવામાં આવશે. જે મધ્યાહ્ને સંપન્ન થશે. ત્યારબાદ વરણાગી નીકળશે. જે રાત્રે નિજ મંદિરે પરત ફરશે. આ તકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.