દેશમાં ચોમાસામાં વિલંબને કારણે ફુગાવાના મોરચે કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે જેને ધ્યાનમાં રાખતા નાણાકીય વર્ષ 2024 માટે CPI આધારિત ફુગાવો RBIના 5.1 ટકાના અંદાજને બદલે 5.2 ટકા રહેશે તેવું અનુમાન ડોઇશ બેન્કે વ્યક્ત કર્યું છે. અત્યારે ચોમાસુ સાધારણ કરતાં 53 ટકા ઓછો છે અને દર વર્ષે જુલાઇમાં વિલંબથી ચોમાસાના ઇતિહાસને કારણે ફુગાવાના મામલે કોઇ રાહત મળે તેવી અત્યારે કોઇ શક્યતા જણાઇ રહી નથી. જો નસીબ સાથ આપશે અને જુલાઇ તેમજ ઓગસ્ટમાં ખાદ્યપદાર્થોની કિંમત નહીં વધે તો હેડલાઇન ફુગાવો 5 ટકા અથવા તેનાથી નીચલા સ્તરે રહે તેવી શક્યતા વ્યક્ત કરી શકાય.
જુલાઇ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે નબળા ચોમાસાને કારણે જુલાઇમાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઉછાળો જોવા મળશે. ભૂતકાળમાં વર્ષ 2009 અને 2014 દરમિયાન જુલાઇમાં ઓછા વરસાદને કારણે ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ચોમાસુ સામાન્ય કરતા 53 ટકા ઓછુ છે અને દેશભરમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગમનમાં વિલંબ થયો છે જેને કારણે ઉનાળુ પાકનું મોડેથી વાવેતર થયું હતું.
ટામેટાની કિંમતમાં વધારાના અહેવાલ વચ્ચે બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે ડુંગળી, બટાટા અને ટામેટાની કિંમતો આગામી મહિનાઓ દરમિયાન પણ વધુ વધે તેવી શક્યતા છે.