દુનિયાની સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં સામેલ ઇલોન મસ્ક ટિ્વટર ડીલ બાદ સતત મુશ્કેલીઓથી ઘેરાઇ રહ્યા છે. મસ્કની ટિ્વટર ડીલનો વિરોધ કરનારા અનેક વેરિફાઇડ બ્લૂ ટિક યુઝર્સે મસ્કના નામે પેરોડી એકાઉન્ટ્સ બનાવ્યાં છે. જોકે સામાન્ય યુઝર્સે તેને મસ્કનું જ એકાઉન્ટ સમજીને ટિ્વટ્સ વાંચવા લાગ્યા. પરંતુ આ ટિ્વટ્સ ખૂબ જ રમૂજથી ભરપૂર હતાં.
પોતાની ઇમેજ પર તેની નકારાત્મક અસર જોઇને મસ્ક નારાજ થયા હતા. તેમણે આ કરતૂત કરનારા એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. સોમવારે અમેરિકી કોમેડિયન કેથી ગ્રિફિનનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કેથી પોતાનું બ્લૂ ટિક વેરિફાઇડ એકાઉન્ટ મસ્કના નામે ચલાવી રહી હતી.
મસ્કે કહ્યું કે આ પ્રકારનાં એકાઉન્ટ્સ સામે ટૂંક સમયમાં નવો કાયદો ઘડાશે. દરમિયાન, રિપોર્ટ્સ અનુસાર ગત દિવસોમાં ટિ્વટરમાંથી હાંકી કઢાયેલા 50 ટકા કર્મચારીઓની પાછી ભરતી કરાઇ રહી છે. જેના સંદર્ભમાં કર્મચારીઓને ઇમેલ મોકલાઇ રહ્યા છે.