રાજકોટમાં છેલ્લા બે મહિનાથી રોગચાળો વકરી રહ્યો છે ત્યારે તહેવારો દરમિયાન પણ રોગચાળો વધુ વકર્યો હતો. જેમાં છેલ્લા સપ્તાહે ડેન્ગ્યુનાં વધુ 19 કેસ નોંધાતા છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુનાં 175 કરતા વધારે દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત શરદી-ઉધરસનાં 766 કેસ, સામાન્ય તાવના 565 કેસ, ઝાડા-ઉલ્ટીના 115 કેસ તેમજ ચિકનગુનિયાનો વધુ 1 કેસ નોંધાયો છે. આમ દિવાળીનાં તહેવારો દરમિયાન વિવિધ રોગોનાં કુલ મળી 1,466 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને ફોગીંગ સહિતની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે.
છેલ્લા અઠવાડિયામાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં તેમજ શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1466 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઉધરસનાં 766 જેટલા કેસ, સામાન્ય તાવના 565 કેસ, ઝાડા-ઉલટીનાં 115 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો થતાં ડેન્ગ્યુનાં વધુ 19 દર્દીઓ સામે આવ્યા હતા તેમજ ચિકનગુનિયાનો પણ 1 કેસ સામે આવ્યો હતો. જોકે, મલેરિયા, ટાઈફોડ તાવનાં અને કમળાનાં કોઈપણ કેસો સામે આવ્યા નથી. જોકે, આંકડાઓ માત્ર દ્વારા મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈ તો કુલ દર્દીઓની સંખ્યા 5000 કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.