અમેરિકાના લોસ એન્જલસની જ્યોતિષી ડેનિયલ જ્હોન્સને સૂર્યગ્રહણ બાદ તેના પતિની ચાકુ મારીને હત્યા કરી હતી. ત્યારબાદ તેણે તેની બંને પુત્રીઓને ચાલતી કારમાંથી બહાર ફેંકી દીધી હતી. આ પછી તેણે પોતાની કાર ઝાડ સાથે અથડાવી, જેના કારણે મહિલાનું પણ મોત થયું.
લોસ એન્જલસ ટાઈમ્સ અનુસાર, મહિલા સૂર્યગ્રહણને લઈને ચિંતિત હતી. તે લોકોમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનું અને તેમની રાશિ દ્વારા તેમનું ભવિષ્ય જણાવવાનું કામ કરતી હતી. તાજેતરમાં તેણે પોતાની વેબસાઈટ પર પોસ્ટ કર્યું હતું કે, "આ સૂર્યગ્રહણ આધ્યાત્મિક યુદ્ધની ચેતવણી છે. આવી સ્થિતિમાં તમારા હૃદયને શુદ્ધ રાખો અને તમારી સુરક્ષા પર ધ્યાન આપો."
ડેનિયલે આગળ લખ્યું, "દુનિયા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં, સમય આવી ગયો છે કે આપણે કઈ બાજુએ રહેવું તે પસંદ કરીએ." આ પછી, 8 એપ્રિલે ગ્રહણની સવારે, ડેનિયલએ તેના પતિની છાતીમાં છરી મારી દીધી હતી. પછી રાત્રે, તેણે તેની 9 વર્ષની અને 8 મહિનાની પુત્રીઓને કારમાં બેસાડી, 405 ફ્રીવે પર લઈ જઈને કારમાંથી બહાર ફેંકી દીધી.
આ સમયગાળા દરમિયાન, એક 8 મહિનાની બાળકીનું મૃત્યુ થયું, જ્યારે 9 વર્ષની બાળકી હોસ્પિટલમાં દાખલ છે. ડેનિયલ જ્યાંથી તેણે બંને છોકરીઓને ફેંકી હતી ત્યાંથી થોડે દૂર એક ઝાડ સાથે તેની કાર અથડાઈ હતી. પોલીસ અડધા કલાક પછી ઘટનાસ્થળે પહોંચી અને કહ્યું કે ટક્કર પહેલાં કાર 160 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી.